Tuesday, October 22, 2013

સમાચાર પત્ર પર એક વાંકી નજર



          ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને અચાનક નરેન્દ્ર મોદી ની ઈમેજ સુધારવાનો ઉમળકો આવ્યો છે.(મોટા ભાગે અખબારોને મોદીની છાપ બગડે તેમાં વધુ રસ હોય તેવું મને લાગ્યા કરે છે. સાચું ખોટું તો ભગવાન જાણે !) એટલે આ  સમાચાર પત્રએ પોતાના તા. ૨૨-૧૦-૨૦૧૩ નાં અંકના તંત્રીલેખ (T O I Ahmedabad edition 22-10-2013 Caption :: “Lift Prohibition”) માં લખ્યું છે કે દારૂબંધી ઉઠાવી લેવાનું એક વિરાટ પગલું લઈ નરેન્દ્ર મોદી પોતાની રાષ્ટ્રીય છબી સુધારી શકે છે.
        વ્યક્તિગત રીતે હું ગુજરાત માંથી દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ તેમ માનું છું કારણ કે દારૂબંધીનાં ઓઠા હેઠળ થતા ભ્રષ્ટાચારનું દુષણ દારૂ થી ફેલાતા દુષણ કરતા ઘણું મોટું છે. અને મારા મતે આ ભ્રષ્ટાચારીઓ નું ઝુંડ જ ગુજરાત માં દારૂબંધી ઉઠાવી લેવા ના મુદ્દાનું તટસ્થ અને તાર્કિક પૃથક્કરણ થવા નથી દેતું. પરંતુ દારૂબંધી ઉઠાવી લેવી કે ચાલુ રાખવી તેનો નિર્ણય નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય ઈમેજ સુધારવા કે બગાડવા સાથે જોડવાનું પણ મને યોગ્ય લાગતું નથી કેમકે તેમ કરવાથી  ચર્ચા મૂળ વિષય પરથી આડે પાટે ચઢી જવાની શક્યતા છે. ચાલો ગમેતેમ પણ એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબાર દ્વારા ગુજરાત માંથી દારૂબંધી ઉઠાવી લેવા થયેલ સંપાદકીય સૂચન ખરેખર આવકારદાયક છે. આ સંપાદકીય પ્રમાણે ૧૯૬૦ માં એક આપખુદશાહી ફરમાન દ્વારા ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત કરાયો હતો અને કેમકે મોદી તેમની સરમુખત્યાર પ્રતિભા માટે જાણીતા છે અને સરમુખત્યારો સામાન્ય રીતે નાગરિકોના પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરતા હોય છે તેથી મોદી પોતાના આજ સર્મુખત્યારશાહી ગુણોનો ઉપયોગ કરીને ૧૯૬૦ નું દારુબંધીનું કાલગ્રસ્ત સરમુખત્યારશાહી ફરમાન પલટાવીને લોકો સામે (દારૂ પીવો કે ન પેવો તે) પસંદગીના વધુ વિકલ્પો ખુલ્લા મૂકી પોતાની સરમુખત્યારશાહી ઈમેજ પલટાવી શકે છે તેવું આ અખબારનું સૂચન છે. (Wow ! great) પરંતુ મારી દૃષ્ટિએ આવું થવાને બદલે સાચા અને ખોટા ગાધીવાદીઓ તેમજ દારૂબંધીના આશીર્વાદથી કરોડોના હફ્તા મેળવતો આખો ને આખો વર્ગ (માત્ર પોલીસજ નહિ) મોદી પર તૂટી પડે અને મોદી ની ઈમેજ સુધરવાને બદલે બગાડે તે સંભાવના વધુ રહેલી છે. (આન્દરખાને T O I ની ઈચ્છા પણ કંઈક આવીજ હોય તો કોને ખબર ? )
         મારા મતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને દારૂબંધી ઉઠાવી લેવાનું સૂચન ખરખર ગંભીરતાથી જ કરવું હોય તો આ સુચનને મોદીના ઈમેજ બિલ્ડીંગ સાથે ન જોડતા દારૂબંધી ઉઠાવી લેવાના સબળ કારણોથી લોકોને વાકેફ કરી મોદીને નહિ પણ ગુજરાત સરકાર ને તેમ કરવા અપીલ કરવી જોઈએ.