Tuesday, October 14, 2014



સ્વચ્છ ભારત માટે ભારત ને થોડું નોન પોલીટીકલ બનાવીયે
                આપણો દેશ ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલો છે જેમાંની એક દરેક બાબતનું વધુ પડતું રાજકીયકરણ છે અને આ વધુ પડતા રાજકીયકરણે એક તંદુરસ્ત લોકશાહીમાં જે વૈચારિક ઔદાર્ય હોવું જોઈયે તનું નિકંદન કાઢી નાખ્યું છે. પરિણામ એ આવ્યું છે કે જુદા જુદા રાજકીય પક્ષો પ્રતિસ્પર્ધી પક્ષને દુશ્મન નંબર એક/બે વગેરેની પરિભાષામાં મૂલવવા લાગ્યા છે અને કોઈ એક પક્ષનો નેતા ટીવી ચેનલ પર આવીને પ્રતિસ્પર્ધી પક્ષને દુશ્મન નંબર એક કહીને સંબોધે છે ત્યારે આપણે આપણા જુકાવ પ્રમાણે ખુશ અગર નાખુશ થઈએ છીએ. આ વૈચારિક ઔદાર્યને બીલો ઝીરો લેવલ લઇ જવામાં ઈલેક્ટ્રોનિક મીડિયા નો ખુબ મોટો ફાળો છે. ઈલેક્ટ્રોનિક મીડિયા પ્રત્યેનું મારું અવલોકન પૂર્વગ્રહ પીડિત લાગે તો માફ કરજો પણ ઈલેક્ટ્રોનિક મીડીયાના કેટલાક અતિશય ચાંપલા અને  પોતાને સર્વજ્ઞ સમજનારા પત્રકારો, એન્કરો જે કાઈ કહેવાતા હોય તે દેશનું કાંઈક ભલું કરવાને બદલે પોતાની હોંશિયારી બતાવવાની ધૂનમાં દેશનું અને દેશમાં બનતી ઘણી બધી સારી બાબતોનું અહિત જ કરતા હોય છે. તાજેતરમાજ પ્રધાનમંત્રીશ્રી નાં સ્વચ્છતા અભિયાન સન્દર્ભમાં બનેલી શશી થરુર સાહેબ ની ઘટના જ જુઓ ને. સામાન્ય નજરે જોઈએ તો  થરુર સાહેબને આ અભિયાન એક સારી બાબત લાગી અને તેમણે તેની મુક્ત મને પ્રશંસા કરી. તંદુરસ્ત રાજકીય વાતાવરણમાં આ બાબત સારી ગણાય. પરંતુ સમસ્યા એ છે કે અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિને ક્યારેક  “તમારો હાથ કપાઈ ગયા પછી હવે તમને કેવું ફિલ થાય છે” એવું પૂછી બેસનારા સાઉન્ડ બાઈટીયા પત્રકારો અને વક્ર દૃષ્ટા રાજકીય પ્રતિસ્પર્ધીઓ તેમની ફરજ ના ભાગ રૂપે શશી થરુર સાહેબે કરી તેવી પ્રતિસ્પર્ધી ની પ્રશંસા ની વાત નું એવું પ્રેઝન્ટેશન કરશે કે જાણે થરૂર સાહેબની આખી કોન્ગ્રસી વિચારધારા જ બદલાઈ ગઈ અને થરુર સાહેબ ભાજપીયા થઈ ગયા. વાતાવરણ એવું થઇ ગયું છે કે તમે તમારા પ્રતિસ્પર્ધી પક્ષ ના નેતાનો માત્ર ને માત્ર વિરોધ જ કરી શકો. પ્રતિસ્પર્ધી ની કોઈ વાતની તે વાત ના ગુણ-દોષો ના આધારે પણ તમે પ્રશંસા ન કરી શકો. આવું માત્ર શશી થરુર સાહેબ સાથે જ નથી બનતું. આજની મીડિયાની દુનિયા જે રીતે વર્તે છે તેમાં વિવિધ ક્ષેત્રના અસંખ્ય લોકો સાથે આવું બનતું રહે છે. થરુર સાહેબનું તો મેં માત્ર ઉદાહરણ લીધું છે. અત્યારે  દુનિયા સંવાદ ની નહિ પણ વિવાદ ની બની ગઈ છે એટલે સ્પષ્ટતા કરી દેવી સારી. કારણ વક્ર દૃષ્ટાઓ એ થરુર સાહેબ ની પ્રશંસા પાછળ જુદા જુદા હેતુઓ શોધી કાઢ્યા છે. અને હું તેમાં પાડવા નથી માગતો.
                મેં હાલમાંજ મહારાષ્ટ્રના ખુબજ સુપ્રસિદ્ધ લેખક શ્રી પુ. લ. દેશપાંડે ના એક પુસ્તક માં વાંચ્યું કે લોકમાન્ય તિલક વર્તમાનપત્ર એટલે કે અખબારને “घाई गड़बड़ीत लिहिले गेलेले वृतांत” કહેતા એટલે કે ઉતાવળે હડબડાટ માં લખાયેલું વૃતાંત. ખુબજ સહજતા થી સમજી શકાય તેવી બાબત છે કે આવું ઉતાવળે હડબડાટમાં લખાયેલું વૃતાંત કેટલું વિશ્વસનીય હોઈ શકે ? હવે વર્તમાનપત્ર ની આ ઘાઈ ગડબડની સરખામણી તમે  ઈલેક્ટ્રોનિક મીડિયાની ક્ષણે ક્ષણે થતી ધાઈ ગડબડ સાથે કરો તો બળદગાડું અને બુલેટ ટ્રેઈન ની તુલના કર્યા જેવું લાગે. પરિણામ એ આવે છે કે ઘણી બધી બાબતો ખુબ વિચારપૂર્વ રજૂઆત પામવાને બદલે  અનર્થો જ સર્જે છે. કારણ વિચારપૂર્વક કઈક થવા માટે જોઈતો સમય જ મળતો નથી. મને એ નથી સમજાતું કે નરેન્દ્ર મોદી, સોનિયા ગાંધી, શશી થરુર, મુલાયમસિંઘ યાદવ, લાલુ પ્રસાદ, નીતીશ કુમાર, મમતા બેનરજી, જાય લલીતા, કરુણાનિધિ, માયાવતી, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે, પ્રકાશ કરાટ (આવા અસંખ્ય નામો લખી શકાય) આ બધા એકજ ભારત દેશના જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓ છે. બધા પોતાનો મુખ્ય ઉદ્દેશ ભારતનું કલ્યાણ હોવાનો દાવો કરે છે . તો પછી આ બધા નેતાઓ એક-બીજાના સારા કાર્યોની પ્રશંસા કેમ ન કરી શકે ? શું આમ કરવાથી ભારતનું અહિત થતું હશે ?  પ્રતિસ્પર્ધીના બધા કાર્યો સારા ન હોઈ શકે અને બધા સો એ સો ટકા ખરાબ ન હોઈ શકે. જો ખરાબ કામોની ટીકા કરવાનો અધિકાર છે તો સારા કામોની પ્રશંસા કરવાની નૈતિક જવાબદારી પણ હોય છે. પરંતુ આપણે દેશમાં એક એવું કલુષિત રાજકીય વાતાવરણ બનાવી દીધું છે કે જેમાં અલગ અલગ પક્ષના નેતાઓ જે ખરેખર તો રાજકીય હરીફો હોવા જોઈએ તે રાજકીય દુશ્મનો બની ગયા છે અને આ દુશ્મનાવટને પોષવામાં ઇલેક્ટોનીક મીડિયાનો ખુબ મોટો ફાળો છે કેમકે આવા પ્રસંગોએ કેટલાક અતિ શહાણા પત્રકારો/એન્કરો પોતે કેટલા હોંશિયાર અને દેશપ્રેમી છે અને નેતાઓ કેટલા દુષ્ટ, ભ્રષ્ટ અને મૂરખા છે અને પોતે કેટલી ચપળતાથી  નેતાની દુષ્ટતા, ભ્રષ્ટતા, મુર્ખામી, વિરોધાભાસ પકડી પાડ્યો તે બતાવવાની ધૂનમાં ઘણી વાર સારી અને સકારાત્મક ભાવનાની હત્યા થઇ જતી હોય છે. પરિણામે દેશને નુકસાન થાય છે. પણ મિત્રો આ સાઉન્ડ બાઈટીયાઓ કાંઈ સુધરવાના નથી. ઈલેક્ટ્રોનિક મીડિયા પ્રત્યે હું પૂર્વગ્રહ પીડિત છું અને તેના માટે મારી પાસે મને સંતોષ થાય તેવા પુરતા કારણો છે. તાજેતરમાજ કૈલાશ સત્યાર્થીને બાળકોના હિતોની રક્ષા અંગેના કાર્યો માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો તે દિવસે આખે આખું મીડિયા ફૂલ ટાઈમ કૈલાશ સ્ત્યાર્થીની સ્ટોરી પર ઉતરી પડ્યું. મિત્રો આપને કૈલાશ સત્યાર્થીને નોબેલ પારિતોષક મળ્યા પહેલા કોઈ ટીવી ચેનલ પર સત્યાર્થી ના કાર્યો પર કોઈ કાર્યક્રમ જોયાનું યાદ આવે છે ? જો કોઈ મિત્રોએ આવો કોઈ કાર્યક્રમ ટીવી પર જોયો હોય તો મને ચોક્કસ જણાવશો. મારો પૂર્વગ્રહ ઓછો કરવામાં મદદરૂપ થશે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ મીડિયા નેગેટીવીટીને જેટલી હાઈલાઈટ કરે છે તેની સરખામણીમાં પોઝીટીવીટી ની રજૂઆત નું તેમનું કાર્ય નજરે ચઢતું નથી. સત્યમેવ જયતે જેવા કાર્યક્રમો ભાગ્યેજ જોવા મળે છે અને તે આમીર જેવી વ્યક્તિના કારણે સફળ થતાં હોય છે. જેમ નેતાઓની જાન ખુરસીમાં ફસાયેલી હોય છે તેમ આ ચેનલો વાળાઓની જાન ટીઆરપી માં ફસાયેલી હોય છે. મિત્રો આપનો ટીવી સેટ અને રિમોટ આપની માલિકીનું છે. નેગેટીવીટીને ટીઆરપી નહિ આપવાનો નિર્ણય આપ કરી શકો છો.
                ભારતને સ્વચ્છ ભારત બનાવવા માટે ચાલો ભારતને થોડું નોન પોલીટીકલ પણ બનાવીયે. રાજકીય નેતાઓ જ્યારે પ્રતિસ્પર્ધીની કોઈ સારા કાર્ય માટે પ્રશંસા કરે ત્યારે તેને માત્ર નકારાત્મક દૃષ્ટિ થી  જ નહિ મૂલવતા આવા અભિગમને સારા નાગરિક તરીકે પ્રોત્સાહન આપીએ અને નેતાઓને રાષ્ટ્ર હિતમાં રાજકીય દુશ્મનીનો માર્ગ છોડી તંદુરસ્ત રાજકીય હરીફાઈ ની દુનિયામાં પ્રવેશવા મોકળાશ આપીએ.