પાટીદાર
અનામત આંદોલન.... મારી નજરે
તાજેતર માં હાર્દિક પટેલે એક આંદોલન
છેડ્યું છે. કાં તો પાટીદારોને અનામત નો લાભ આપો અને નહીતો અનામત ને તિલાંજલિ આપો.
આ આંદોલનને જુદા જુદા લોકો આંદોલન થી પોતાને કે પોતે જે વર્ગ વિશેષ ના છે તે વર્ગ
ને શું લાભ થાય તેમ છે તે, અગરતો પોતે અથવા પોતે જે વર્ગ વિશેષના છે તે વર્ગને શું
નુકસાન થાય તેમ છે તે વિષેની પોતાની માન્યતા અનુસાર આંદોલન પ્રત્યેનો પોતાનો
દૃષ્ટિકોણ અગર અભિગમ અથવાતો મંતવ્ય ઘડે છે.
સૌ પ્રથમ આ આંદોલન થી મને કેવા વિચારો આવે
છે એની વાત કરીય. ૩૮ વર્ષ પોલીસ ખાતામાં નોકરી કર્યા પછી કોઈ પણ આંદોલન ગમતું નથી.
અનુભવ એવું કહે છે કે ૮૦ ટકા આંદોલનો અહિંસક રીતે ચલાવવાનો આંદોલનકારી નેતાઓ દાવો
કરતા હોવા છતાં હિંસા અને જાહેર સમ્પત્તિનાં નુકસાનમાંજ પરીણમતા જોયા છે. બાકી
રહેતા ૨૦ ટકા ફિયાસ્કામાં પરિણમતા આંદોલનો માટે અનામત. અનામત આ દેશમાં ફરજીયાત છે.
પોલીસ અધિકારીઓ ની ફરજ મોકુફી/બદલીઓ/તેમના સામે ખાતાકીય પગલા એ બધું આંદોલનકારીઓ
અને સરકાર વચ્ચે ની વાટાઘાટોમાં આ બંને પક્ષો એટલે કે સરકાર અને આંદોલનકારી નેતાઓના
અહમને ઠેસ ન પહોચે તે રીતે સમાધાન ની
ફોર્મ્યુલા ઘડી કાઢવા માટે વપરાતો તુચ્છ ભોગ હોય છે. માર્યા/ઘવાયા વગેરે માટે
પોલીસ અધિકારીઓ સામે પગલાં અને કદાચ વળતર ચૂકવીને આંદોલનકારી નેતાઓના અહંકાર અને
ભોગ બનેલાઓના દુઃખને શાંત કરી દેવાય છે. જાહેર સમ્પતિ નાં નુકસાન ને (KBD)
કોના બાપની દિવાળી ખાતે ઉધારી દેવાય છે. અને
તેમ છતાં આંદોલન કરનારાઓ અને ના કરનારાઓ વર્ષો સુધી આની પરોક્ષ રીતે ખુબ લાંબો સમય
કીમત ચુકવતા રહે છે. ટુંકમાં કોના બાપની દિવાળીનો અર્થ બ્રેકેટમાં પોત પોતાના
બાપની દિવાળી એવોજ થતો હોય છે. આવા આંદોલનો ગમે તેટલા ન્યાયી હોય તો પણ મને ગમતા
નથી અને હું તેનું સમર્થન કરતો નથી. બીજા લોકોને પસંદ હોય તો લોકશાહીમાં એમની
પસંદગી સામે વાંધો લઇ શકાય નહિ.
ભારત આઝાદ થયાને ૬૭ વર્ષ થઇ ગયા. જ્ઞાતિ
આધારિત અનામત વ્યવસ્થા ૧૦ વર્ષ માટે સ્વીકારવામાં આવી હતી. ૬૭ વર્ષ બાદ જ્ઞાતિ
આધારિત અનામત વ્યવસ્થાની યોગ્યતા/અયોગ્યતા
નું પુન:મૂલ્યાંકન કારીને આ વ્યવસ્થાને
જ્ઞાતિને બદલે આર્થિક પછાતપણા પર આધારિત કરવા ની માગણી મને તદ્દન વ્યાજબી લાગે છે.
પરંતુ હાર્દિકભાઈ ની માગણી આવી નથી. પ્રજાની માગણીઓ પર દુરન્દેશીતા પૂર્વક વિચાર કરી
પ્રજાના બધા વર્ગોનાં અને રાષ્ટ્રહિતમાં હોય તેવી નીતિ ઘડવા માટે બંધારણમાં
પ્રજાના ચુટાયેલા પ્રતિનીધીઓની બનેલી લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભાઓની
રચના કરવામાં આવી છે. પરંતુ દેશનું દુર્ભાગ્ય એવું છે કે રસ્તાઓ પર પ્રજા તોડફોડ
કરે છે અને સભાગૃહોમાં એમના પ્રતિનિધિઓ. લોકશાહીમાં તો यथा प्रजा तथा राजा એવુજ હોય ને ! આપણામાથીજ ચૂંટાઈ ને ત્યાં જાય
છે.
જે પક્ષ સત્તા પર આવે તેણે ચૂંટણી પ્રચાર
દરમ્યાન ભલે ગમેતેવા પ્રત્યક્ષ કે પરોક્ષ વચનો આપ્યા હોય, સરકારમાં આવ્યા પછી
બંધારણની મર્યાદાઓમાં રહીનેજ તે કામ કરી શકશે એવી અક્કલ લોકશાહી ૬૭ વર્ષની થયા પછી પણ પ્રજાને ન આવી
હોય તો હજુ બીજા ૧૬૭ વર્ષો સુધી રાજકીય પક્ષો પ્રજાને ઉલ્લુ બનાવતા રહેશે અને
પ્રજા આંદોલનો કરીને પોતાનુજ નુકસાન કરી લઈ બીજી ૧૦ પેઢીઓ સુધી નુકસાન ભરતી રહેશે.
બંધારણ ની જોગવાઈઓ માં સુધારા કરવામાટે સુનિશ્ચિત કરવામાં આવેલી પ્રક્રિયા ને
પૂર્ણપણે સમજ્યા વિના રોડ પર ઉભા ઉભા તેમ કરી નાખવાની ડંફાસ હાંકવી અલગ વાત છે
ખરેખર તેમ કરવું કે કરાવવું અલગ વાત છે. આવી ડંફાસ થી ટોળાને ઘડીભર ગેલમાં લાવી
શકાય.
જે પક્ષો સત્તા પર ન હોય તે આવા આંદોલનો
અને આંદોલનકારીઓ પ્રત્યે તેમને સહાનુભૂતિ હોવાનો આભાસ ઉભો કરે છે. આમ કરવા પાછળનો
તેમનો હેતુ સ્પષ્ટ હોય છે. સત્તા પક્ષને ભીડવવાનો. આંદોલનકારી નેતાઓમાના
કેટલાક ને આ રમત સમજાતી હોય છે પણ સરકાર પર દબાણ ઉભું કરવામાં આ પરીબળ તત્પુરતું
મદદરૂપ થતું હોય તો પ્રયોગ ચાલુ રાખવામાં શું વાંધો ? ધાર્યો હેતુ પાર ન પડે તો આ
નેતાઓનું કાંઈ લૂંટાઇ જતું હોતું નથી. વિપક્ષમાં હોય તેમને આવી સ્થિતિમાં લોકો
સરકાર થી નારાજ થાય તો આ નારાજગીનો પાક લણી લઈ આગામી ચૂંટણીઓમાં સત્તા મેળવવાની પોતાની
તક ઉજ્વળ કરી લેવાની ગણતરી હોય છે. એકવાર પાંચ વર્ષ મળી ગયા તો પછી જોઈ લઈશું એવી
ગણતરી હોય છે.
હાર્દિકભાઈ આ આંદોલન પાટીદારો માટે ચલાવી
રહ્યા છે. બીજી ઘણી બધી જ્ઞાતિઓ એવી છે જે ફોરવર્ડ છે પણ આવી ફોરવર્ડ જ્ઞાતિઓમાં
પણ ગરીબ તો છે જ. આમાંના વધુપડતા ચાલક લોકો(જે ગરીબ નથી)ને હાર્દિકભાઈ ના આંદોલન
પ્રત્યે છુપી સહાનુભુતિ છે. આ લોકો વધુ પડતા સ્વપ્નશીલ હોવાને કારણે એમને એવું
સપનું આવે છે કે આ બધા ડખાને અંતે અનામત નીકળી જશે. આમને અનામતનો લાભ મળવામાં કોઈ
રસ નથી. એ પ્રથા બંધ થાય તેમાં રસ છે. આ દેશના હાલના કોઈ પણ રાજકીય નેતામાં આવું
હિમ્મતભર્યું પગલું લેવાની તાકાત દેખાતી નથી. તેમછતાં આ સ્વપ્નદૃષ્ટાઓ ની
પ્રતિક્રિયાઓ પણ મજાની હોય છે. બંધનું એલાન હોય કે પછી હાર્દિકભાઈ રેલી કાઢવાના
હોય ત્યારે પોતાના ટુ વ્હીલર, ફોર વ્હીલર સાંચવીને મૂકી દેવાના. પોતાના ઘરમાં
સલામત રીતે ટીવી સામે બેસી જવાનું, આંદોલનના કારણે ઈન્ટરનેટ વગેરે બંધ થતાં પડતી
અડચણ માટે સરકાર અને પોલીસ ને ગાળો આપવાની અને આ બધી બબાલ પછી હાર્દિકભાઈ, એમની
ટીમ અને ટોળાની (બસ, કાર દુકાનો સળગાવવાની/તોડફોડ કરવાની) મહેનતથી પોતાની ઈચ્છા
મુજબનું પતાસું પડે તો ખાવાની કેવી મજા આવશે એ સલામત રીતે વિચારતા રહેવાનું. અને મજબુરીમાં
સરકારને માત્ર પાટીદારોને અનામત આપવાનો
નિર્ણય લેવો પડે તો પાછા કોર્ટ આ નિર્ણય ને રદ કરશે એવું સપનું જોવાનું ચાલુ
કરવાનું. ટુંકમાં મજા આવે એવું સપનું જોતા રહેવાનું.
કોઇપણ જ્ઞાતિ/જાતિના ભેદભાવ વગર જે કોઈપણ
આર્થિક રીતે નબળા હોય તેમને અનામતનો લાભ આપવો જોઈએ. આ વિચારને મારું પૂર્ણ સમર્થન
છે. અને આવી વ્યવસ્થાનું પણ એક નિશ્ચિત સમયના અંતરે મૂલ્યાંકન થતું રહે તે જરૂરી
છે. આંદોલન જેવી નુકસાન કારક પદ્ધતિનો આશ્રય ન લેતા કોઈક નવતર પ્રયોગ કરીને પરિણામ
મેળવવાની ક્ષમતા ધરાવતા નેતાને સમ્પૂર્ણ ટેકો છે.